ISI જાસૂસી કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રણ ઠેકાણે NIAના દરોડા

ભારતીય સુરક્ષા દળોની જાસૂસી માટે પાકિસ્તાનમાંથી નાણા મેળવવાના કેસમાં ત્રાસવાદ વિરોધી કેન્દ્રીય એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ કેસના શકમંદોના ત્રણ ઠેકાણા પર સર્ચ કાર્યવાહી કરી હતી અને ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી. ગયા વર્ષે જૂનમાં NIA દ્વારા નોંધાયેલા કેસમાં આ કાર્યવાહી કરાઈ હતી.

 

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2021ના વિશાખાપટ્ટનમ પાકિસ્તાની ISI જાસૂસી કેસમાં સંડોવાયેલા શંકાસ્પદો પર કાર્યવાહીના ભાગરૂપે NIAએ શુક્રવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રણ સ્થળોએ વ્યાપક સર્ચ કાર્યવાહી કરી હતી. ભારતીય સંરક્ષણ દળોની જાસૂસી માટે પાકિસ્તાન પાસેથી પૈસા લીધા હોવાની આશંકા છે તેવી વ્યક્તિના ઘરે સર્ચ કાર્યવાહી થઈ હતી. આ કાર્યવાહીમાં મોબાઈલ ફોન અને દસ્તાવેજો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરાઈ હતી. NIA આ કેસમાં વધુ કડીઓ શોધવા માટે જપ્ત કરેલી સામગ્રીની તપાસ કરી રહી છે.

 

એજન્સીએ જુલાઇ 2023માં ફરાર પાકિસ્તાની નાગરિક સહિત બે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી એક પાકિસ્તાની નાગરિક સહિત અન્ય ત્રણ વિરુદ્ધ વધુ બે ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

 

NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાની નાગરિકોએ જાસૂસી રેકેટમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી હતી. ભારતમાં આતંકવાદી હિંસા ફેલાવવાના ષડયંત્રના ભાગરૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ/મહત્વપૂર્ણ માહિતી લીક કરાઈ હતી.

ગુજરાતમાં 190 તાલુકામાં વરસાદ, અમદાવાદ, સુરત જળબંબાકાર

દક્ષિણ ગુજરાત પર સક્રિય સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે 3 જુલાઈ સુધી પાંચ દિવસ વરસાદની આગાહી કરી હતી. રવિવાર, 30 જૂને રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં રવિવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ અને સુરત જિલ્લા સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતાં અને ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી.વલસાડમાં બે કલાકમાં (સવારે 6 થી 8 વાગ્યા સુધી) લગભગ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સુરતના મહુવામાં આ સમયગાળામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉમરગામ અને સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

30 જૂન રવિવારે સવારે 6 થી બપોરના 2 વાગ્યા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હદમાં સાત ઇંચ સુધીનો વરસાદ નોંધાતા જનજીવનને અસર થઈ હતી. સૌથી વધુ વરસાદ સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. પાણીના ઝડપી નિકાલ માટે વાસણા બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતાં. મીઠાખળી અંડરપાસ બપોરે 2.21 વાગ્યે ટ્રાફિક માટે બંધ કરાયો હતો. અખબારનગર અંડરપાસ બપોરે 2.40 વાગ્યે ટ્રાફિક માટે બંધ કરાયો હતો.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની જમાવટ થઈ હતી. વાપીમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના રસ્તા પણ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હતાં અને અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.

સુરતના અમુક વિસ્તારોમાં જ્યાં પાણીના નિકાલની બરાબર વ્યવસ્થા નથી ત્યાં બે-બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતાં અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં, જામનગરના ધ્રોલમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. માળિયા હાટીનામાં બે ઈંચ, મેંદરડામાં બે ઈંચ, વડોદરામાં પોણા બે ઈંચ, વિસાવદરમાં પણ દોઢ ઈંચ. ગોધરામાં દોઢ ઈંચ અને રાજકોટ તાલુકામાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

સરકારના ‘સંકટમોચક’ ગણાતા કે કૈલાસનાથન આખરે સેવાનિવૃત્ત

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન દાયકાથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યા બાદ 30 જૂને સેવાનિવૃત થયા હતા. આ IAS અધિકારી 2006માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી મુખ્યપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા હતા.

2014માં મોદી વડા પ્રધાન બન્યા પછી ગુજરાતમાં ત્રણ મુખ્ય પ્રધાનો આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં તેમણે સીએમઓમાં ફરજ બજાવી હતી. સીએમઓમાં આયોજિત વિદાય સમારંભના ફોટા પણ પોસ્ટ કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમની શક્તિ વહીવટી કાર્યક્ષમતા, સમસ્યાઓ ઉકેલવાની અનોખી રીત અને સમજદાર કાર્યશૈલી હતી. “હું તેમને સ્વસ્થ અને શાંતિપૂર્ણ નિવૃત્ત જીવનની ઇચ્છા કરું છું,”
તેઓ વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતના વહીવટી તંત્રને આપી હતી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15